અદાલતમાં ખોટું સોગંદનામું રજુ કરનાર ૬ સીબીઆઈ અધિકારીઓ સામે ફોજદારી કેસ કરવાનો આદેશ!

 

ન્યાયતંત્રમાં સત્ય અને પારદર્શિતા એ ન્યાય મેળવવાનો મુખ્ય આધાર છે. જો દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી જ અદાલત સમક્ષ ભ્રામક કે અસત્ય તથ્યો રજૂ કરે, તો તે ન્યાય પ્રક્રિયા માટે ગંભીર વિષય બની જાય છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે કોર્ટમાં ખોટા નિવેદનો આપીને બચી શકાતું નથી. 

કેસની મુખ્ય વિગતો:-

• કેસનું નામ: અશોક કુમાર અગ્રવાલ વિરુદ્ધ સુશીલ દિવાન અને અન્ય (Ashok Kumar Aggarwal v. Sushil Dewan & Ors.) 
• અપીલ નંબર: CRL.A. 289/2026 (BNSS ની કલમ 380 / CrPC ની કલમ 341 હેઠળ) 
• અદાલત: દિલ્હી હાઈકોર્ટ (High Court of Delhi at New Delhi) 
• સાયટેશન : 2026:DHC:8774
• CNR નંબર: DLHC01011675026 
• ન્યાયાધીશ : માનનીય ન્યાયમૂર્તિ મધુ જૈન (Hon'ble Ms. Justice Madhu Jain) 
• ચુકાદાની તારીખ: 06 ઓક્ટોબર, 2026

કેસની પૃષ્ઠભૂમિ અને મુખ્ય હકીકતો:-

1. IRS અધિકારી અશોક કુમાર અગ્રવાલ સામે CBI એ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ કર્યો હતો. હાઈકોર્ટે પ્રોસિક્યુશન મંજૂરી અમાન્ય ઠેરવતા ટ્રાયલ કોર્ટે તેમને ૧૦ માર્ચ, ૨૦૧૬ના રોજ કેસમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કર્યા હતા. ત્યારબાદ તેમણે જપ્ત થયેલા દસ્તાવેજો પરત મેળવવા અરજી કરી હતી. 

2. ૦૨.૦૮.૨૦૧૬ના રોજ CBI એ કોર્ટમાં જવાબ રજૂ કર્યો કે "વહીવટી મંત્રાલય સાથે આગળની કાનૂની કાર્યવાહી અંગે પત્રવ્યવહાર ચાલુ છે". 

3. વાસ્તવમાં કાયદા મંત્રાલય એ ૦૮ જૂન, ૨૦૧૬ના રોજ જ સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો હતો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જેવું કશું નથી. આમ, તે સમયે કોઈ પત્રવ્યવહાર ચાલુ નહોતો, છતાં CBI એ ખોટો દાવો કર્યો. 

4. આ અંગે અશોક કુમાર અગ્રવાલે કોર્ટમાં કલમ ૩૪૦ હેઠળઅરજી કરી કે CBI એ અદાલત સમક્ષ ખોટી માહિતી આપી છે. 

દિલ્હી હાઈકોર્ટના મહત્વપૂર્ણ તારણો:-

• આંતરિક વિચારણા ≠ પત્રવ્યવહાર: કોર્ટે સ્પષ્ટ કર્યું કે એજન્સીની આંતરિક ચર્ચાઓને મંત્રાલય સાથેનો "ચાલુ પત્રવ્યવહાર" ગણાવીને અદાલતને ગેરમાર્ગે ન દોરી શકાય. 

• ડ્રાફ્ટમાં ચેડાં: CBI ના વહીવટી રેકોર્ડ અને ફાઇલ નોટિંગ્સની તપાસ કરતાં બહાર આવ્યું કે મૂળ ડ્રાફ્ટમાં મંત્રાલયનો નકારાત્મક અભિપ્રાય સ્વીકારાયેલો હતો, જેને ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથથી છેકછાક કરીને ખોટું લખાણ ઉમેરવામાં આવ્યું હતું. 

• નુકસાન ન થયું હોવા છતાં ગુનો બને છે: સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ટાંકીને કોર્ટે જણાવ્યું કે પક્ષકારને કેટલું વ્યક્તિગત નુકસાન થયું તે મહત્વનું નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયા (Administration of Justice) ની શુદ્ધતા સાથે ચેડાં થયા છે કે નહીં તે જોવાનું છે. 

હાઈકોર્ટનો આખરી આદેશ:-

દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો અરજી ફગાવતો આદેશ રદ કર્યો અને કલમ 340 CrPC હેઠળની અરજી મંજૂર કરી. સાથે જ આગામી ૪ અઠવાડિયાની અંદર સંબંધિત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નીચેના ૬ અધિકારીઓ સામે IPC કલમ 191 r/w 193 (ખોટા પુરાવા/સોગંદનામું) અને કલમ 209 (કોર્ટમાં ખોટો દાવો) હેઠળ લેખિત ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે: 

1. સુશીલ દિવાન (તત્કાલીન ઇન્સ્પેક્ટર/તપાસ અધિકારી) 

2. વિનીત વિનાયક (તત્કાલીન HoZ / જોઈન્ટ ડાયરેક્ટર) 

3. અમિત કુમાર (તત્કાલીન HoB) 

4. રામન ત્યાગી (તત્કાલીન SP) 

5. પ્રેમ કુમાર ગૌતમ (તત્કાલીન SP) 

6. મોહમ્મદ આઝાદ (તત્કાલીન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર) 

આ ઐતિહાસિક ચુકાદો એ વાત સાબિત કરે છે કે કાયદાની નજરમાં કોઈ પણ પદ કે સંસ્થા સર્વોચ્ચ નથી. ન્યાયતંત્રની પવિત્રતા જાળવી રાખવા માટે અદાલત સમક્ષ સાચા તથ્યો રજૂ કરવા અત્યંત આવશ્યક છે.

Post a Comment

0 Comments