માનસિક ત્રાસથી થતો હાર્ટ એટેક શું કુદરતી મૃત્યુ ગણાય? જાણો હાઈકોર્ટનો મહત્વનો સિદ્ધાંત

માનસિક ત્રાસથી થતો હાર્ટ એટેક શું કુદરતી મૃત્યુ ગણાય? જાણો હાઈકોર્ટનો મહત્વનો સિદ્ધાંત

શું પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક દર્શાવેલ હોય તો દહેજ મૃત્યુ નો કેસ રદ થઈ શકે? અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 528 હેઠળ દાખલ અરજી પર ચુકાદો આપતા આ વિષય પર અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે.

કેસની પ્રાથમિક વિગતો:-

• કેસનું શીર્ષક: નિર્મલા દેવી વિ. સ્ટેટ ઓફ યુ.પી. અને અન્ય (Nirmala Devi v. State of U.P. and another) 

• અરજી નંબર: Application U/S 528 BNSS No. 11303 of 2026 

• સાયટેશન : 2026:AHC:201481

• અદાલત: હાઈકોર્ટ ઓફ જ્યુડિકેચર એેટ અલ્હાબાદ (કોર્ટ નં. 83) 

• પીઠ: માનનીય જસ્ટિસ ચૌહાણ પ્રકાશ (Hon'ble Chawan Prakash, J.) 

• ચુકાદાની તારીખ: 24 સપ્ટેમ્બર 2026 (ચુકાદો અનામત રાખ્યા તારીખ: 17 જુલાઈ 2026) 

• મૂળ કેસ: Case Crime No. 109 of 2025 / Case No. 159 of 2026, પો.સ્ટે. તુંડલા, જિલ્લો ફિરોઝાબાદ (મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, ફિરોઝાબાદની અદાલતમાં પડતર) 

લાગુ પડતી મહત્વની કાયદાકીય કલમો:- 

1. BNSS કલમ 528:-

o હાઈકોર્ટની અંતર્નિહિત સત્તાઓ (Inherent Powers of High Court) — અગાઉની Cr.P.C. ની કલમ 482 સમાન. 

2. BNS કલમ 80:-

o દહેજ મૃત્યુ: લગ્નના 7 વર્ષની અંદર મહિલાનું મૃત્યુ દાઝવાથી, શારીરિક ઈજાથી અથવા સામાન્ય સંજોગો સિવાય થયું હોય અને મૃત્યુના થોડા સમય પહેલાં દહેજની માંગણી સંદર્ભે ત્રાસ આપવામાં આવ્યો હોય. (અગાઉની IPC કલમ 304B સમાન).

3. BNS કલમ 85 & 86 :-

o કલમ 85: પતિ અથવા તેના સંબંધી દ્વારા મહિલા પર આચરવામાં આવતી ક્રૂરતા માટે સજા. 

o કલમ 86: 'ક્રૂરતા'  ની વ્યાખ્યા — જેમાં મહિલાને આત્મહત્યા કરવા માટે પ્રેરે, તેના જીવન, શરીર કે આરોગ્ય (માનસિક કે શારીરિક) ને ગંભીર જોખમ ઊભું કરે તેવું કૃત્ય અથવા ગેરકાયદેસર માગણીઓ સંતોષવા માટે કરાતું ઉત્પીડન સમાવિષ્ટ છે.

4. BNS કલમ 115(2) & 61: 

o    સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી અને ગુનાહિત કાવતરું.

5. BSB કલમ 118:

o દહેજ મૃત્યુ અંગે અદાલતની કાનૂની ધારણા  — જો દહેજ ઉત્પીડન અને 7 વર્ષમાં અકુદરતી મૃત્યુ સાબિત થાય, તો કોર્ટ માની લેશે કે મૃત્યુ દહેજ કારણે જ થયું છે. 

6. દહેજ પ્રતિબંધક કાયદો (Dowry Prohibition Act, 1961): કલમ 3 અને 4 (દહેજ આપવું, લેવું કે માંગણી કરવી).

કેસની પૃષ્ઠભૂમિ:-

o રોહિત/ક્રિષ્નાકાંત યાદવ (અરજદારનો પુત્ર) અને મૃતક પ્રતિભા યાદવ ઉર્ફે પૂજાના લગ્ન 04 મે 2021 ના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ થયા હતા. 

o લગ્ન સમયે અને તે પહેલાં મૃતકના માતા-પિતાના ખાતામાંથી અરજદાર (સાસુ - નિર્મલા દેવી) ના વ્યક્તિગત બેંક ખાતામાં RTGS મારફતે ₹16,25,000  ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

o આ ઉપરાંત લગ્ન સમયે ₹7,00,000 રોકડા આપવામાં આવ્યા હતા, એટલે કે કુલ ₹23,25,000 દહેજ પેટે લેવામાં આવ્યા હતા. 

o લગ્ન બાદ પણ વધુ દહેજ માટે મૃતક પર સાસરીયાઓ દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. 

o ત્રાસથી કંટાળીને મૃતક 22 જૂન 2024 ના રોજ પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ દિયરના લગ્ન પ્રસંગે સાસરીયાઓની ખાતરી અને વિનંતી બાદ તે 25 જાન્યુઆરી 2025 ના રોજ પરત સાસરે આવી હતી. 

o 15 ફેબ્રુઆરી 2025 ના રોજ મૃતકે તેની માતાને ફોન પર જણાવ્યું કે તેની સાસુ અને નણંદએ તેને ઢસડીને માર માર્યો છે. 

o 18 ફેબ્રુઆરી 2025 ના રોજ મૃતકે છેલ્લીવાર તેની માતા સાથે વાત કરી હતી. 

o 18/19 ફેબ્રુઆરી 2025 ની રાત્રે મૃતક સાસરે બેભાન અવસ્થામાં મળી આવી. 

o તેને પ્રથમ લક્ષ્મી હોસ્પિટલ (ફિરોઝાબાદ) માં 'તાવ, માથાનો દુખાવો અને આંચકી (Seizures)' ની ફરિયાદ સાથે દાખલ કરાઈ. ત્યારબાદ વધુ સારવાર માટે ઉજાલા સિગ્નસ રેઈનબો હોસ્પિટલ (આગ્રા) ખાતે ખસેડાઈ.

o બ્રેઈન MRI માં વાયરલ એન્સેફાલીટીસ (Brain Infection/Meningitis) ની શંકા વ્યક્ત કરાઈ હતી. આઈસીયુ (Neuro ICU) સારવાર દરમિયાન તેનું સ્વાસ્થ્ય અચાનક લથડ્યું અને 25 ફેબ્રુઆરી 2025 ના રોજ સારવાર દરમિયાન તેનું અવસાન થયું.

પોસ્ટમોર્ટમ અને તબીબી અહેવાલ:-

o હોસ્પિટલ ડેથ સમરી: તાવ, આંચકી, મેનિંજાઈટીસની શંકા સાથે કાર્ડિયોપલ્મોનરી એરેસ્ટ. 

o પોસ્ટમોર્ટમ રિપોર્ટ (25/02/2025): મૃતકના ડાબા અને જમણા ખભા પર ઈજાના નિશાનો (Contusions & Abrasions) મળી આવ્યા હતા. 

o મૃત્યુનું તબીબી કારણ: "માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના પરિણામે થયેલો શોક" (Shock resulting from myocardial infarction / Heart Attack) દર્શાવવામાં આવ્યું હતું. 

બંને પક્ષોની દલીલો

A. અરજદાર (સાસુ - નિર્મલા દેવી) પક્ષે દલીલ:-

• કુદરતી મૃત્યુ: મૃત્યુ પૂર્ણપણે કુદરતી છે, જે તબીબી જટિલતાઓ (મેનિંજાઈટીસ/તાવ) અને તેના કારણે આવેલા કાર્ડિયાક એરેસ્ટ/હાર્ટ એટેકથી થયું છે.

• બાહ્ય કારણનો અભાવ: મૃત્યુ દાઝવાથી, ઝેરથી કે કોઈ જીવલેણ શારીરિક ઈજાથી થયું નથી. તેથી કલમ 80(2) BNS નો મુખ્ય ઘટક કે "મૃત્યુ અકુદરતી અથવા સામાન્ય સંજોગો સિવાય થયેલું હોવું જોઈએ" તે અહીં સિદ્ધ થતો નથી.

• કાનૂની આધાર: તેમણે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ Babu Bhai v. State of Gujarat (2010), State of Gujarat v. Afroz Mohammad Hasanfatta (2019) અને Haji Iqbal v. State of U.P. (2023) ટાંકીને રજૂઆત કરી કે જો FIR માં દર્શાવેલ વિગતો ગુનો ન બનાવતી હોય તો કાર્યવાહી રદ કરવી જોઈએ. 

B. રાજ્ય સરકાર અને ફરિયાદી (મૃતકના ભાઈ) પક્ષે દલીલ:-

• દહેજ અને ત્રાસના પુરાવા:  લગ્ન પછી બેંક ખાતાઓમાં ₹16.25 લાખ અને ₹7 લાખ રોકડા મળી ₹23.25 લાખ દહેજ પેટે લેવાયાના પુરાવા છે. 

• મૃત્યુના થોડા સમય પહેલાં ક્રૂરતા: ઘટનાના થોડા દિવસો પહેલા જ મૃતક સાથે મારપીટ કરવામાં આવી હતી, જેના નિશાન પોસ્ટમોર્ટમમાં પણ ખભા પર મળી આવ્યા છે. 

• પોસ્ટમોર્ટમ અહેવાલનું મૂલ્ય: કાયદા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ સ્વયં આખરી કે નક્કર પુરાવો નથી, પરંતુ તે માત્ર તબીબી અભિપ્રાય છે. ડોક્ટરની અદાલતમાં આપાતી મૌખિક જુબાની જ આખરી પુરાવો બને છે.

• તબીબી નિદાનની શંકા: ડેથ સમરીમાં મેનિંજાઈટીસ આગળ પ્રશ્નાર્થ ચિહ્ન ("?meningitis") દર્શાવેલ છે, જે માત્ર શંકાસ્પદ નિદાન દર્શાવે છે, આખરી કારણ નહીં.

માનનીય હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નીચે મુજબના અત્યંત મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા:

૧. "સામાન્ય સંજોગો સિવાયનું મૃત્યુ" (Otherwise than under normal circumstances) નો વ્યાપ:

• અદાલતે સ્પષ્ટ કર્યું કે "સામાન્ય સંજોગો સિવાયનું મૃત્યુ" એટલે માત્ર આંખે દેખાતી શારીરિક ઈજા, દાઝી જવું કે ઝેર આપવું એટલું જ સીમિત નથી. 

• Kans Raj Vs. State of Punjab (2000) 5 SCC 2007 ના લેન્ડમાર્ક ચુકાદાનો સંદર્ભ આપતા હાઈકોર્ટે ઠરાવ્યું કે:

"સામાન્ય સંજોગોમાં થતું મૃત્યુ એટલે કે વયજૂથ કે સ્વાભાવિક બીમારીને કારણે થતું કુદરતી મૃત્યુ. પરંતુ જો લગ્નના માત્ર ૩ કે ૪ વર્ષમાં જ કોઈ યુવતી સતત માનસિક યાતના કે ક્રૂરતાનો ભોગ બનતી હોય અને તે દરમિયાન તેને તાવ, આંચકી કે હાર્ટ એટેક આવે, તો શરૂઆતના તબક્કે એવું માની શકાય નહીં કે તેનું મૃત્યુ પૂર્ણપણે કુદરતી હતું. શારીરિક શોષણ, અસહ્ય માનસિક તણાવ કે દેખીતી રીતે ન પકડાય તેવું ઝેર પણ શરીરમાં ક્લિનિકલ ઈમરજન્સી (જેવી કે કાર્ડિયોજેનિક શોક કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) ઉત્પન્ન કરી શકે છે."

૨. પોસ્ટમોર્ટમ અહેવાલનું કાનૂની સ્થાન:-

• માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં "માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક)" લખેલું હોવા માત્રથી ચાર્જશીટ કે કાર્યવાહી રદ કરી શકાય નહીં. 

• તબીબી કારણો કુદરતી હતા કે સતત આચરેલી ક્રૂરતા/માનસિક તણાવથી પ્રેરાયેલા હતા, તે નક્કી કરવા માટે ડોક્ટરોની ઊલટતપાસ, હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ અને વિસેરા (Viscera) તપાસ જરૂરી છે. આ તમામ બાબતો ટ્રાયલ (કેસની કાર્યવાહી) નો વિષય છે, જેને BNSS ની કલમ 528 હેઠળની ટૂંકી સુનાવણીમાં નક્કી કરી શકાય નહીં.

૩. કાનૂની ધારણા (Presumption under Section 118 BSB):-

• લગ્નના 7 વર્ષની અંદર મૃત્યુ થયું હોવાથી અને મૃત્યુ પહેલાં દહેજ ઉત્પીડનના પ્રાથમિક પુરાવાઓ હોવાથી, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 ની કલમ 118 હેઠળ દહેજ મૃત્યુની કાનૂની ધારણા આ કેસમાં લાગુ પડે છે.

૪. કલમ 528 BNSS (અગાઉની Section 482 CrPC) ની મર્યાદા:-

• હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો કે ફોજદારી કાર્યવાહી રદ કરવાની અંતર્નિહિત સત્તાઓનો ઉપયોગ અત્યંત અસાધારણ સંજોગોમાં જ થવો જોઈએ. આ તબક્કે અદાલતે મિની-ટ્રાયલ કરવાની કે પુરાવાઓનું ઊંડું મૂલ્યાંકન કરવાની જરૂર નથી.

આખરી આદેશ:-

હાઈકોર્ટે સાસુ (અરજદાર નિર્મલા દેવી) દ્વારા દહેજ મૃત્યુ, ક્રૂરતા અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળની ચાર્જશીટ અને સંજ્ઞાન ઓર્ડરને રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને રદ કરી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપી સામે ટ્રાયલ ચલાવવા માટે પૂરતા પ્રાથમિક પુરાવાઓ ઉપલબ્ધ છે. 

આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે દહેજ ઉત્પીડનના કિસ્સામાં જો પરણિતાનું મૃત્યુ સતત અસહ્ય માનસિક કે શારીરિક તણાવના કારણે આવેલા હાર્ટ એટેકથી પણ થાય, તો તેને સામાન્ય કે કુદરતી મૃત્યુ ગણીને સાસરીયાઓ કાયદાકીય જવાબદારીમાંથી છટકી શકશે નહીં. કાયદામાં માનસિક ત્રાસને પણ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને ટ્રાયલ વિના આરોપીને ક્લીન ચિટ આપી શકાય નહીં.

This information is for educational purpose only. For better reference kindly visit official website and take advise of advocate. 

Post a Comment

0 Comments