કોઈ પણ ફોજદારી કાર્યવાહીમાં જપ્ત થયેલા મુદ્દામાલનો યોગ્ય નિકાલ અને તપાસ દરમિયાન પોલીસ દ્વારા કરાતી મિલકત જપ્તી એ નાગરિકોના કાનૂની અધિકારો સાથે સીધો સંબંધ ધરાવે છે. ૧ જુલાઈ ૨૦૨૪ થી પ્રવર્તમાન થયેલા નવા કાયદા BNSS, 2023 એ જૂની Cr.P.C., 1973 ની જોગવાઈઓને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવી છે. નવા બંને કાયદાની કલમોના સમન્વય સાથે મુદ્દામાલ કસ્ટડી, હરાજી, બેંક એકાઉન્ટ ફ્રીઝિંગ અને સ્થાવર મિલકત અંગે સરળ વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.
તપાસ અથવા ટ્રાયલ દરમિયાન મુદ્દામાલની અંતરિમ કસ્ટડી અને નિકાલ
• નવી કલમ: BNSS કલમ ૪૯૭ (જૂની Cr.P.C. કલમ ૪૫૧)
• મુખ્ય હેતુ: કેસ પેન્ડિંગ હોય ત્યારે મુદ્દામાલ પોલીસ સ્ટેશન કે કોર્ટના માલખાનામાં પડ્યો રહીને બગડી ન જાય, તેનો દુરુપયોગ ન થાય કે તેના માલિકને અનાવશ્યક આર્થિક નુકસાન ન થાય તે માટે અંતરિમ કસ્ટડી (Interim Custody) આપવાની આ જોગવાઈ છે.
• અંતરિમ કસ્ટડીની પ્રક્રિયા: અદાલત યોગ્ય શરતો, Bond અને Surety લઈને મુદ્દામાલ તેના કાયદેસરના દાવેદારને સોંપી શકે છે.
• ઝડપી નિકાલ અને કડક સમયમર્યાદા: BNSS હેઠળ ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અદાલતે મુદ્દામાલની કસ્ટડી, પંચનામું, વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફી માટે ૧૪ દિવસની અંદર કાર્યવાહી કરવાની રહેશે. ત્યારબાદ બીજા ૧૪ દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરી મુદ્દામાલનો આખરી કે અંતરિમ નિકાલ કરવાનો આદેશ કરવાનો રહે છે.
• નાશવંત વસ્તુઓ: જો મુદ્દામાલ ઝડપથી બગડી જાય તેવો હોય (જેમ કે ફળો, શાકભાજી, દૂધ કે ખાદ્યપદાર્થો), તો અદાલત તેને તુરંત વેચીને મળેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ આપી શકે છે.
• સુંદરભાઈ અંબાલાલ દેસાઈ કેસનો સિદ્ધાંત: સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા મુજબ વાહનો, સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમ લાંબો સમય કસ્ટડીમાં રાખવાને બદલે યોગ્ય બોન્ડ અને ફોટોગ્રાફી/વિડિયોગ્રાફી કરીને માલિકને પરત સોંપવાની મજિસ્ટ્રેટની કાનૂની ફરજ છે.
કેસ પૂર્ણ થયા પછી મુદ્દામાલનો અંતિમ નિકાલ
• નવી કલમ: BNSS કલમ ૪૯૮ (જૂની Cr.P.C. કલમ ૪૫૨)
• જ્યારે કેસની ટ્રાયલ પૂર્ણ થાય (આરોપી નિર્દોષ છૂટે કે તેને સજા થાય), ત્યારે અદાલત મુદ્દામાલના આખરી નિકાલ માટે નીચે મુજબના આદેશો કરી શકે છે:
o નાશ કરવો: બિનઉપયોગી, ગેરકાયદેસર કે જોખમી વસ્તુઓનો નાશ કરવાનો આદેશ.
o જપ્તી: ગુનામાં વપરાયેલું હથિયાર કે ગેરકાયદેસર માલ સરકાર હસ્તક જપ્ત કરવાનો આદેશ.
o મૂળ માલિકને સોંપણી: જે વ્યક્તિ કાયદેસરનો હક્ક ધરાવતી હોય તેને માલ પરત આપવાનો આદેશ.
• અપીલનો સમયગાળો: સામાન્ય નિયમ મુજબ અપીલનો સમયગાળો (૨ મહિના) પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આદેશ અમલમાં મુકાતો નથી. પરંતુ પશુઓ કે જલ્દી બગડી જાય તેવી વસ્તુઓના કિસ્સામાં આ આદેશ તુરંત અમલમાં મૂકી શકાય છે.
વિશેષ પરિસ્થિતિઓમાં મુદ્દામાલનો નિકાલ
• ચોરીનો મુદ્દામાલ નિર્દોષ ખરીદનાર પાસે હોય ત્યારે - BNSS કલમ ૪૯૯ (જૂની Cr.P.C. કલમ ૪૫૩): જો ચોરી થયેલી મિલકત કોઈ અજાણ્યા નિર્દોષ વ્યક્તિએ નાણાં આપીને ખરીદી લીધી હોય અને આરોપી પાસેથી રોકડ રકમ જપ્ત થઈ હોય, તો અદાલત આરોપીના નાણાંમાંથી તે નિર્દોષ ખરીદનારને વળતર ચૂકવવાનો આદેશ કરી શકે છે.
• અશ્લીલ કે ભેળસેળયુક્ત સામગ્રીનો નાશ - BNSS કલમ ૫૦૧ (જૂની Cr.P.C. કલમ ૪૫૫): અશ્લીલ પુસ્તકો, ચિત્રો, ભેળસેળયુક્ત ખોરાક, દવાઓ કે ઝેરી પદાર્થો જપ્ત થયા હોય તો તેને માલિકને પરત આપવાના બદલે તેનો નાશ કરવાનો નિર્દેશ છે.
• સ્થાવર મિલકતનો કબ્જો પરત અપાવવો - BNSS કલમ ૫૦૨ (જૂની Cr.P.C. કલમ ૪૫૬): જો આરોપીએ ગુનાહિત બળ કે ધાકધમકીથી કોઈની સ્થાવર મિલકત (જમીન/મકાન) પર ગેરકાયદેસર કબ્જો કર્યો હોય અને ટ્રાયલમાં દોષિત ઠરે, તો અદાલત કેસ પૂર્ણ થયાના ૧ મહિનાની અંદર તે મિલકતનો કબ્જો મૂળ માલિકને પરત અપાવી શકે છે.
દાવા વગરનો અથવા અજાણ્યો મુદ્દામાલ
• દાવા વગરના મુદ્દામાલ અંગે પ્રક્રિયા - BNSS કલમ ૫૦૩ (જૂની Cr.P.C. કલમ ૪૫૭): પોલીસે જપ્ત કરેલ પરંતુ અદાલતમાં રજૂ ન થયેલ કે દાવા વગરના મુદ્દામાલ અંગે મજિસ્ટ્રેટને રિપોર્ટ કરવાનો રહે છે. અદાલત માલિકની ઓળખ કરી કસ્ટડી સોંપી શકે છે અથવા અજાણ્યા માલિક માટે જાહેર જાહેરનામું બહાર પાડે છે.
• ૬ મહિના સુધી દાવો ન થાય ત્યારે - BNSS કલમ ૫૦૪ (જૂની Cr.P.C. કલમ ૪૫૮): જાહેરનામું બહાર પાડ્યાના ૬ મહિનાની અંદર કોઈ કાયદેસરનો દાવો ન કરે, તો તે મિલકત રાજ્ય સરકાર હસ્તક જમા થાય છે.
• અજાણ્યા મુદ્દામાલની હરાજી - BNSS કલમ ૫૦૫ (જૂની Cr.P.C. કલમ ૪૫૯):
o જૂની Cr.P.C. માં ₹૫૦૦ સુધીની કિંમત ધરાવતા દાવા વગરના મુદ્દામાલને તુરંત વેચવાની મંજૂરી હતી.
o નવા કાયદા હેઠળ સુધારો: BNSS Sec. 505 હેઠળ આ રકમ વધારીને ₹૫,૦૦૦ (પાંચ હજાર રૂપિયા) કરવામાં આવી છે. જો મુદ્દામાલ ઝડપથી બગડી જાય તેવો હોય અથવા તેની કિંમત ₹૫,૦૦૦ થી ઓછી હોય, તો મજિસ્ટ્રેટ ૬ મહિનાની રાહ જોયા વગર તેને તુરંત હરાજીથી વેચી શકે છે.
તપાસ દરમિયાન પોલીસની મિલકત જપ્ત કરવાની સત્તા
• નવી કલમ: BNSS કલમ ૧૦૬ (જૂની Cr.P.C. કલમ ૧૦૨)
• આ કલમ હેઠળ પોલીસ અધિકારી ગુનાની તપાસ દરમિયાન શંકાસ્પદ જંગમ મિલકત જપ્ત કરી શકે છે. પરંતુ જુદા જુદા ઐતિહાસિક ચુકાદાઓ દ્વારા આ સત્તા પર મર્યાદાઓ સ્પષ્ટ કરવામાં આવી છે:
• સ્થાવર મિલકત (જમીન/મકાન) ના કિસ્સામાં પ્રતિબંધ:
o નેવાડા પ્રોપર્ટીઝ લિમિટેડ કેસ (Nevada Properties Pvt. Ltd. v. State of Maharashtra - 2019 SC): સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે પોલીસ કલમ ૧૦૬ (જૂની કલમ ૧૦૨) હેઠળ જમીન, મકાન કે ફ્લેટ જેવી સ્થાવર મિલકતને જપ્ત કે સીલ કરી શકતી નથી.
o કારણ: "Seize" (જપ્તી) શબ્દ માત્ર જંગમ મિલકત માટે છે. પોલીસ સ્થાવર મિલકતના માલિકીના દસ્તાવેજો જપ્ત કરી શકે છે, પરંતુ મિલકતને સીલ મારીને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકતી નથી.
• બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની સત્તા:
o ટીસ્તા સેટલવાડ કેસ (2018) અને તપસ નિયોગી કેસ (1999 SC): સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બેંક એકાઉન્ટ અને તેમાં રહેલી રકમ કાયદાકીય વ્યાખ્યા મુજબ "મિલકત" ગણાય છે.
o શરતો: જો બેંક ખાતામાં રહેલી રકમ કે વ્યવહારોનો ગુના સાથે સીધો સંબંધ હોય (જેમ કે છેતરપિંડી, ભ્રષ્ટાચાર કે મની લોન્ડરિંગ), તો પોલીસ બેંક એકાઉન્ટ 'ફ્રીઝ' કરી શકે છે. પરંતુ પોલીસે તુરંત જ તેની જાણ સંબંધિત મજિસ્ટ્રેટ કોર્ટ અને ખાતાધારકને કરવાની રહે છે.
મુદ્દામાલ નિકાલ અંગેનો કાયદાકીય અભિગમ એ જ રહ્યો છે કે કોર્ટ કે પોલીસ સ્ટેશનોમાં માલસામાનનો અનાવશ્યક ભરાવો ન થાય અને નાગરિકોની મિલકત સડતી અટકે. ૧ જુલાઈ ૨૦૨૪ પછીના તમામ નવા ગુનાઓમાં BNSS ની કલમો હેઠળ કાર્યવાહી થાય છે, જ્યારે ૧ જુલાઈ ૨૦૨૪ પહેલા નોંધાયેલા જૂના ગુનાઓમાં Cr.P.C. ની કલમો અનુસાર પ્રક્રિયા ચાલે છે.
This information is for educational purpose only. For better reference kindly visit official website and take advise of advocate.

0 Comments