પોતાના જ ખાતામાંથી ઉપાડેલી રોકડ રકમ અન્ય ખાતામાં જમા કરાવવી એ Unexplained Income નથી.
આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT), જયપુર બેન્ચે કરદાતાઓના પક્ષમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. ઘણીવાર આવકવેરા અધિકારીઓ (AO) એવો તર્ક આપતા હોય છે કે "જે વ્યવહાર ચેક કે ઓનલાઈન ટ્રાન્સફરથી થઈ શકતો હતો, તેમાં બેંકમાંથી રોકડ ઉપાડીને અન્ય ખાતામાં જમા કેમ કરાઈ?" અને આવી રકમને અસ્પષ્ટ આવક ગણી લેતા હોય છે. ITAT એ આ તર્કને સંપૂર્ણપણે ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે જો કરદાતા પાસે નાણાંનો સ્પષ્ટ બેંક ટ્રેઇલ હોય, તો માત્ર વ્યવહાર 'અસંગત કે અવ્યવહારુ' લાગે છે તેવા શંકાસ્પદ આધાર પર ટેક્સ લાદી શકાય નહીં. આ બાબતે વિગતવાર સમજીએ.
કેસની વિગતો :
• ન્યાયપીઠ / ટ્રિબ્યુનલ: આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT), જયપુર બેન્ચ ("SMC" બેન્ચ)
• ન્યાયાધીશ (Hon'ble Member): શ્રીમતી અન્નપૂર્ણા ગુપ્તા, એકાઉન્ટન્ટ મેમ્બર
• અપીલ નંબર (Appeal No.): ITA No. 1807/JPR/2025
• આકારણી વર્ષ (Assessment Year): 2022-23 (પ્રાસંગિક નાણાકીય વર્ષ: 2021-22)
• કરદાતા (Assessee / Appellant): સુનીલ કુમાર ગર્ગ
• સામે પક્ષ (Respondent): આવકવેરા અધિકારી (ITO), વોર્ડ-૧, ભરતપુર
• સુનાવણીની તારીખ: ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬
• ચુકાદાની તારીખ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬
કેસની પૃષ્ઠભૂમિ:-
1. આકારણી અધિકારી (AO) નો આક્ષેપ: કરદાતા સુનીલ કુમાર ગર્ગે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન તેમના અને તેમની પત્ની (વંદના ગર્ગ) ના સંયુક્ત પોસ્ટ ઓફિસ બચત ખાતામાં રૂ. 31,40,000/- ની રોકડ રકમ ટુકડે-ટુકડે જમા કરાવી હતી.
o આકારણી અધિકારી (AO) એ આ રકમને અસ્પષ્ટ માની કલમ 69A હેઠળ ઉમેરો (Addition) કર્યો અને કલમ 115BBE હેઠળ 60% ટેક્સ + 25% સરચાર્જ અને વ્યાજ લાદી દીધું.
2. કરદાતાનો ખુલાસો: કરદાતાએ સ્પષ્ટ પુરાવા સાથે સબમિટ કર્યું કે આ રકમનો સ્ત્રોત તેમના માતા-પિતા દ્વારા અપાયેલી ભેટ છે:
o માતા અને પિતાએ પોતાના બેંક ખાતામાંથી ચેક/બેંક ટ્રાન્સફર દ્વારા પુત્ર (સુનીલ ગર્ગ) ના બરોડા રાજસ્થાન ક્ષેત્રીય ગ્રામીણ બેંક ખાતામાં રકમ જમા કરાવી હતી.
o ત્યારબાદ, સુનીલ ગર્ગે પોતાના એ જ બેંક ખાતામાંથી તે રકમ રોકડ સ્વરૂપે ઉપાડીને તરત જ પોતાની પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરાવી હતી.
o આ ઉપરાંત ભૂતકાળની બચત (રૂ. 30,000/-) અને એફ.ડી. (FD) પાકતી મુદતના રૂ. 4,50,000/- ની રોકડ પણ જમા કરાઈ હતી.
3. AO અને CIT(A) નો નિર્ણય: આકારણી અધિકારી અને નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર [CIT(A)] એ કરદાતાનો ખુલાસો ફગાવી દીધો. તેમનો તર્ક હતો કે:
"એક ખાતામાંથી રોકડ ઉપાડીને બીજા ખાતામાં રોકડ જમા કરાવવી એ અસંગત (Unreasonable) લાગે છે. જો વ્યવહાર જ કરવો હતો તો સીધો ચેક કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા થઈ શકતો હતો."
કરદાતા દ્વારા અપીલમાં રજૂ કરાયેલા મુખ્ય ગ્રાઉન્ડ્સ :-
કરદાતાએ નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર [Ld. CIT(A)] ના તારીખ ૧૩/૧૦/૨૦૨૫ ના આદેશ સામે ITAT સમક્ષ મુખ્યત્વે નીચે મુજબની કાનૂની દલીલો રજૂ કરી હતી:
૧. CIT(A) એ આકારણી અધિકારી (AO) દ્વારા કલમ ૬૯A (r.w.s. 115BBE) હેઠળ કરાયેલ રૂ. ૩૧,૪૦,૦૦૦/- નો ઉમેરો કાયદાકીય અને તથ્યાત્મક બાબતો ધ્યાને લીધા વિના ગેરકાનૂની રીતે માન્ય રાખ્યો.
૨. કલમ ૧૧૫BBE અન્વયે ૬૦% ટેક્સ + ૨૫% સરચાર્જ વગેરે લાદવાનો નિર્ણય સંપૂર્ણપણે મનસ્વી, અન્યાયી અને ગેરવ્યાજબી છે.
૩. આકારણી અધિકારી (AO) કરદાતા દ્વારા રજૂ કરાયેલ મની ટ્રેઇલ અને પુરાવાઓને ખોટા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને પોતાની સાબિતીની જવાબદારી નિભાવી શક્યા નહોતા.
૪. CIT(A) એ ચુકાદો આપતા પહેલાં કલમ ૨૫૦(૪) મુજબ જરૂરી કોઈ સ્વતંત્ર તપાસ કરી નહોતી કે AO પાસેથી રેકોર્ડ મંગાવ્યો નહોતો.
૫. માતા-પિતા અને પત્નીના બેંક/પોસ્ટ ખાતામાંથી થયેલા રોકડ ઉપાડ અને જમાના નક્કર પુરાવાઓ હોવા છતાં તેની તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
આવકવેરા વિભાગ (AO & CIT-A) નું વલણ:-
આકારણી અધિકારી (AO) અને અપીલ અધિકારી [CIT(A)] એ કરદાતાનો ખુલાસો ફગાવી દેતાં આદેશમાં મુખ્ય બે દલીલો કરી હતી:
૧. "માતા-પિતાના ખાતામાં રોકડ ઉપાડ દેખાય છે પણ સામે રોકડ જમા પણ થઈ છે, તેથી આ જ ઉપાડેલી રકમ પોસ્ટ ઓફિસમાં જમા થઈ છે તેવું ચોક્કસ માની શકાય નહીં."
૨. "જ્યારે બેંક ટ્રાન્સફર કે ચેક જેવા સરળ માધ્યમો ઉપલબ્ધ હતા, ત્યારે એક બેંક ખાતામાંથી રોકડ ઉપાડીને બીજા ખાતામાં રોકડ જમા કરાવવી એ અસંગત અને અવ્યવહારુ લાગે છે."
ITAT જયપુર SMC બેન્ચનું મહત્વપૂર્ણ વિશ્લેષણ અને કાનૂની તર્ક:-
માનનીય એકાઉન્ટન્ટ મેમ્બર શ્રીમતી અન્નપૂર્ણા ગુપ્તાજીએ કેસના તમામ કાગળો ચકાસ્યા બાદ નીચે મુજબના ઐતિહાસિક કાનૂની અવલોકનો કર્યા:
• અખંડિત મની ટ્રેઇલ (Undisputed Money Trail): કરદાતાએ માતા-પિતાના બેંક ખાતાથી લઈને પોતાના બેંક ખાતા અને પોસ્ટ ઓફિસ ખાતા સુધીનો સંપૂર્ણ નાણાકીય પ્રવાહ દસ્તાવેજી પુરાવા સાથે સાબિત કર્યો છે. આવકવેરા વિભાગ આ પુરાવાઓને કે મની ટ્રેઇલને ખોટો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
• માત્ર 'અવ્યવહારુતા' એ એડિશનનો આધાર ન હોઈ શકે: ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે ઠેરવ્યું કે જ્યારે નાણાંનો સ્રોત (Source of Deposit) બેંકમાંથી થયેલા ઉપાડ દ્વારા સાબિત થઈ જતો હોય, ત્યારે માત્ર "ચેકથી કે ઓનલાઈન જ વ્યવહાર કેમ ના કર્યો? રોકડ કેમ ઉપાડી?" તેવા માત્ર શંકાસ્પદ કે અસંગતતાના તર્ક પર ખુલાસો ફગાવી શકાય નહીં.
• રોકડના અન્ય ઉપયોગનો કોઈ પુરાવો નથી: વિભાગ એ સાબિત કરવામાં અસમર્થ રહ્યો છે કે કરદાતાએ બેંકમાંથી ઉપાડેલી રકમ કોઈ અન્ય જગ્યાએ વાપરી નાખી હતી અને પોસ્ટ ઓફિસમાં જમા કરાયેલી રકમ કોઈ અન્ય ગુપ્ત કે અસ્પષ્ટ સ્રોતમાંથી આવી હતી.
આખરી હુકમ :-
• ITAT જયપુર બેન્ચે CIT(A) અને AO ના આદેશને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવ્યો.
• આવકવેરા કલમ ૬૯A (r.w.s. ૧૧૫BBE) હેઠળ કરદાતાની આવકમાં ઉમેરાયેલ રૂ. ૩૧,૪૦,૦૦૦/- નો સમગ્ર ઉમેરો (Addition) સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો.
• કરદાતાની અપીલ સંપૂર્ણપણે માન્ય રાખવામાં આવી.
આ ચુકાદાના મુખ્ય તારણો:-
૧. જો સગાં-સંબંધીઓ પાસેથી મળેલી રકમ બેંકિંગ ચેનલ મારફતે આવી હોય અને તેમાંથી રોકડ ઉપાડ કરીને અન્ય ખાતામાં જમા કરવામાં આવી હોય, તો બેંક સ્ટેટમેન્ટ દ્વારા લિંક દર્શાવીને તેને કાયદેસરનો સ્રોત સાબિત કરી શકાય છે.
૨. કરદાતાએ પોતાનો વ્યવહાર ચેકથી કરવો, ઓનલાઈન ટ્રાન્સફરથી કરવો કે રોકડ ઉપાડીને જમા કરાવવો — તે કરદાતાનો અંગત નિર્ણય છે. મની ટ્રેઇલ સ્પષ્ટ હોય ત્યારે વિભાગ માત્ર "વ્યવહારની રીત યોગ્ય નહોતી" તેવા બહાને ટેક્સ લાદી શકતો નથી.
૩. આવકવેરા કાયદામાં વિભાગની શંકા કે અસંગતતાનો તર્ક ગમે તેટલો મજબૂત હોય, પરંતુ તે કરદાતાના નક્કર દસ્તાવેજી પુરાવાની જગ્યા લઈ શકતો નથી.
This information is for educational purpose only. For better reference kindly visit official website and take advise of advocate.

0 Comments