કોઈપણ લોકશાહી દેશમાં વિરોધ નોંધાવવો એ એક કાનૂની માર્ગ હોઈ શકે છે, પરંતુ જ્યારે તે વિરોધ અદાલતી કામકાજ ઠપ કરી દે છે, ત્યારે તેનો સીધો પ્રહાર સામાન્ય અરજદારો અને પક્ષકારોના બંધારણીય અધિકારો પર પડે છે. ભારતીય ન્યાય પ્રણાલીમાં વકીલોની હડતાલ, કોર્ટ બહિષ્કાર અને પક્ષકારોના ઝડપી ન્યાય મેળવવાના હક્ક અંગે સર્વોચ્ચ અદાલતે આપેલી સ્પષ્ટ કાનૂની દિશાને સમજવા માટે આ બંને ઐતિહાસિક ચુકાદાઓ નો અભ્યાસ કરવો અનિવાર્ય છે.
૧: એક્સ-કેપ્ટન હરીશ ઉપ્પલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા:-
• કેસનું નામ (Case Title): Ex-Cap. Harish Uppal v. Union of India and Another
• સાયટેશન (Citation): (2003) 2 SCC 45 / AIR 2003 SC 739
• અદાલત (Court): ભારતીય સર્વોચ્ચ અદાલત (Supreme Court of India)
• પીઠ/બેન્ચ (Bench): બંધારણીય બેન્ચ (Constitutional Bench - 5 Judges)
કેસની પૃષ્ઠભૂમિ:-
• અરજદાર એક્સ-કેપ્ટન હરીશ ઉપ્પલ ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી હતા.
• તેમના વિરુદ્ધ ચાલી રહેલા એક કાનૂની કેસમાં વકીલો દ્વારા કરવામાં આવેલી સતત હડતાલ અને કોર્ટ બહિષ્કારને કારણે અદાલતમાં સુનાવણી થઈ શકી નહીં.
• આના પરિણામે તેમની અરજી અને કાનૂની રાહત લાંબા સમય સુધી અટકી પડી, જેનાથી તેમને આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
• આ પરિસ્થિતિથી વ્યથિત થઈને તેમણે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી અને માંગ કરી કે વકીલો દ્વારા કરવામાં આવતી હડતાલ કે કોર્ટ કામકાજથી અળગા રહેવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર અને બંધારણ વિરોધી જાહેર કરવામાં આવે.
મુખ્ય કાનૂની મુદ્દાઓ:-
• શું વકીલોને વિરોધ પ્રદર્શન કરવા માટે કોર્ટ કામકાજનો બહિષ્કાર કે હડતાલ પાડવાનો બંધારણીય કે મૌલિક અધિકાર છે?
• શું વકીલોની હડતાલથી પક્ષકારોના ઝડપી ન્યાય મેળવવાના બંધારણીય અધિકારનું હનન થાય છે?
સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અને કાનૂની સિદ્ધાંતો:-
• હડતાલનો કોઈ અધિકાર નથી: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું કે વકીલોને કોર્ટ કામકાજ અટકાવવાનો કે હડતાલ પાડવાનો કોઈ બંધારણીય, મૌલિક કે કાનૂની અધિકાર નથી.
• અદાલતના અધિકારી (Officers of the Court): વકીલ માત્ર પોતાના અસીલનો પ્રતિનિધિ નથી, પરંતુ તે ન્યાય વ્યવસ્થાનો એક અનિવાર્ય ભાગ છે. ફી લીધા પછી અસીલ માટે કોર્ટમાં હાજર ન રહેવું એ અસીલ સાથેનો વિશ્વાસઘાત અને વ્યાવસાયિક ગેરવર્તણૂક (Professional Misconduct) છે.
• અનુચ્છેદ ૨૧ અને ઝડપી ન્યાય: બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ પક્ષકારને 'ઝડપી ન્યાય' મેળવવાનો મૂળભૂત અધિકાર છે. હડતાલ આ અધિકાર પર સીધો પ્રહાર કરે છે.
• અપવાદરૂપ સંજોગોમાં સંકેતાત્મક વિરોધ: અતિ ક્ષમ્ય કે અપવાદરૂપ કિસ્સામાં (જેમ કે સમગ્ર ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સંકટ હોય) વિરોધ દર્શાવવો હોય, તો તે માત્ર એક દિવસ માટે, કોર્ટ સમય પૂરો થયા પછી અથવા કાળી પટ્ટી બાંધીને કરવો જોઈઅ, કોર્ટ અટકાવીને નહીં.
• અદાલતની ફરજ: વકીલો હડતાલ પર હોય તો પણ અદાલતો કેસો ચલાવવા બંધાયેલી છે. ગેરહાજર રહેનાર વકીલ સામે એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ હેઠળ શિસ્તભંગ કાર્યવાહી થઈ શકે છે.
૨: કૃષ્ણાકાંત તામ્રકર વર્સિસ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ
• કેસનું નામ (Case Title): Krishnakant Tamrakar v. State of Madhya Pradesh
• સાયટેશન (Citation): (2018) 17 SCC 27 / AIR 2018 SC 1590
• અદાલત (Court): ભારતીય સર્વોચ્ચ અદાલત (Supreme Court of India)
• પીઠ/બેન્ચ (Bench): ૨ જજની બેન્ચ (Adarsh Kumar Goel & U.U. Lalit, JJ.)
કેસની પૃષ્ઠભૂમિ:-
• આ કેસ મધ્યપ્રદેશ હાઇકોર્ટ સમક્ષ આવેલી એક જામીન અરજી પરથી ઉદભવ્યો હતો.
• સુનાવણી દરમિયાન અદાલતના ધ્યાન પર આવ્યું કે મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વકીલો દ્વારા નાની નાની બાબતોમાં વર્ષમાં ૫૦ થી ૧૦૦ દિવસ સુધી હડતાલ પાડવામાં આવતી હતી.
• વારંવારની હડતાલોના કારણે હજારો કેસો અટકી પડ્યા હતા અને નિર્દોષ કે નાના ગુનાના આરોપીઓની જામીન અરજીઓ સમયસર સાંભળી શકાતી નહોતી.
મુખ્ય કાનૂની મુદ્દાઓ:-
• નીચલી અદાલતોમાં અગાઉના ચુકાદાઓ છતાં થતી વારંવારની હડતાલો સામે શું પગલાં લેવા જોઈએ?
• હડતાલથી પક્ષકારોને થતા નાણાકીય અને માનસિક નુકસાન માટે કોણ જવાબદાર ગણાય?
સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અને કાનૂની સિદ્ધાંતો:-
• હરીશ ઉપ્પલ કેસનું પુનરાવર્તન: અદાલતે 'હરીશ ઉપ્પલ (૨૦૦૩)' ના ચુકાદાને પુનઃ દોહરાવ્યો અને કડક શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી કે અગાઉના આદેશો છતાં નીચલી અદાલતોમાં હડતાલની પ્રવૃત્તિ બંધ થઈ નથી.
• પક્ષકારને વળતર: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ દિશાનિર્દેશ આપ્યો કે વકીલોની ગેરકાયદેસર હડતાલના કારણે જો અસીલને કોઈ આર્થિક કે કાનૂની નુકસાન થાય, તો પક્ષકાર પોતાના વકીલ પાસેથી નુકસાની/વળતર મેળવવા માટે હક્કદાર બની શકે છે.
• બેકલોગ અને આર્થિક બોજ: હડતાલથી ન્યાયતંત્ર પર કેસોનું ભારણ અતિશય વધે છે, જેનાથી ગરીબ પક્ષકારો પર આર્થિક અને માનસિક બોજ વધે છે.
• હાઇકોર્ટોને કડક સૂચના: તમામ રાજ્યની હાઇકોર્ટોને નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ પોતાની નીચલી અદાલતોમાં હડતાલના દિવસોનો આંકડાકીય રેકોર્ડ રાખે અને વારંવાર કોર્ટ કામકાજ અટકાવનાર વકીલો કે બાર એસોસિએશનો સામે અદાલતી અવમાનના અને શિસ્તભંગ કાર્યવાહી કરે.

0 Comments